વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨૫

સંવત ૧૮૮૫ના કાર્તિક સુદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

  પછી શ્રીજીમહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી જે, (૧) ભગવાન સંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઇચ્છા ન રાખવી એમ સત્‌શાસ્ત્રમાં કહ્યું છે તે તો સાચું, પણ એટલી તો ઇચ્છા રાખવી જે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય એટલી ઇચ્છા રાખવી. અને એવી ઇચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. માટે ભગવાનની ભક્તિ આદિક જે ગુણ તેણે કરીને ભગવત્‌ પ્રસન્નતારૂપ ફળને ઇચ્છવું, અને જો એ વિના બીજી ઇચ્છા રાખે તો ચતુર્ધા મુક્તિ આદિક ફળની પ્રાપ્તિ થાય. અને ભગવાનની જે પ્રસન્નતા તે ઘણા ઉપચારે કરીને જે ભક્તિ કરે તેની જ ઉપર થાય ને ગરીબ ઉપર ન થાય એમ નથી. ગરીબ હોય ને શ્રદ્ધા સહિત જળ, પત્ર, ફળ, ફૂલ ભગવાનને અર્પણ કરે તો એટલામાં પણ રાજી થાય. કેમ જે ભગવાન તો અતિ મોટા છે. તે જેમ કોઈક રાજા હોય તેના નામનો એક શ્લોક જ કોઈક કરી લાવે તો તેને ગામ આપે તેમ ભગવાન તુરત રાજી થાય છે. (૧) અને વળી ભગવાનનો ખરો ભક્ત તે કોણ કહેવાય તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે, તથા અન્ન ખાવા ન મળે, વસ્ત્ર ન મળે, ઇત્યાદિક ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તોપણ ભગવાનની ઉપાસના, ભક્તિ, નિયમ, ધર્મ, શ્રદ્ધા એમાંથી રંચમાત્ર પણ મોળો ન પડે; રતિવા સરસ થાય તેને ખરો ભક્ત કહીએ. (૨)

  પછી શ્રીજીમહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછ્યો જે, (૨) હે મહારાજ ! કિયા ગુણે કરીને તમે રાજી થાઓ ને કિયા દોષે કરીને કુરાજી થાઓ ? ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, આટલા તો વચનમાં દોષ છે, તે કિયા તો પોતાના અંતરમાં કાંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એક વાર કહી દેવું જે, હે મહારાજ ! તમે કહો તો હું આવી રીતે વર્તું પણ વારંવાર ન કહેવું જે, હે મહારાજ ! હું આમ વર્તું, હું આમ વર્તું તમે કેમ મુને કહેતા નથી ? તે ન ગમે. અને મને પોતાનો ઇષ્ટદેવ જાણે ને વારે વારે મારા વેણ ઉપર વેણ લાવે તે ન ગમે. અને હું કોઈની આગળ વાત કરતો હોઉં ને બોલાવ્યા વિના વચમાં બોલે તે ન ગમે. અને ભગવાનનું ધ્યાન કરવું તથા ધર્મ પાળવો, ભક્તિ કરવી ઇત્યાદિક જે જે શુભ ક્રિયા કરવાની છે તેને જે ભગવાન ઉપર નાખે જે ભગવાન કરાવશે તો થાશે તે ન ગમે, અને આમ હું કરીશ એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ ન રાખે તે ન ગમે. અને જેને બોલ્યામાં પોતાના અંગનો ઠા ન હોય તે તો અતિશે ન ગમે. અને બીજાં વ્યાવહારિક કામ કરવાં હોય તેમાં તો લાજ તથા આળસ ન હોય ને ભગવાનની વાર્તા કરવી, કથા કરવી, કીર્તન ગાવવાં, તેમાં લાજ રાખે ને આળસ રાખે તે ન ગમે. અને ત્યાગનો અથવા ભક્તિનો અથવા કોઈ રીતનો જે અહંકાર બોલીમાં લાવે તે ન ગમે. અને સભા બેઠી હોય ત્યારે સૌથી છેલ્લો આવીને બેસે પણ પોતાને જ્યાં ઘટતું હોય ત્યાં ન બેસે તે ન ગમે. તથા કોઈક મોટા તે સભામાં બેઠા હોય ને તેને કુણી મારીને માગ કરીને પોતે બેસે તે ન ગમે. અને બાઈ માણસ હોય ને તે પોતાના અંગને ઢાંકીને લજ્જા સહિત વર્તે તે ગમે. તથા ચાલે ત્યારે નીચી દૃષ્ટિ રાખીને ચાલે, પણ ફાટી દૃષ્ટિ રાખે નહિ તે ગમે. અને અમારાં દર્શન કરતા હોય ને કોઈક બાઈ-ભાઈ આવે કે કૂતરું નીસરે કે કાંઈ ખડખડે તેની સામું વારંવાર દર્શન મૂકીને જુએ, પણ એક દૃષ્ટિએ દર્શન ન કરે તેની ઉપર તો એવી રીસ ચડે જે, શું કરીએ સાધુ થયા, નહિ તો એનું કાંઈક તાડન કરીએ, પણ તે તો થાય નહીં. કેમ જે, સાધુને કોઈનું તાડન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે. અને જે કપટ રાખે, પણ પોતાના મનના જે સંકલ્પ તે જેને કહેવા યોગ્ય હોય તેની આગળ પણ કહે નહિ તે ન ગમે. અને માન, તથા ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું, તે શું તો પોતાના મનમાં જેવું હોય તેવું બીજાથી દબાઈને કહેવાય નહિ એ ત્રણ વાનાં તો અતિશે ભૂંડાં છે. અને હરિભક્તને માંહોમાંહી બરોબરિયાપણું રહે. પણ એક એકનો ભાર ન આવે એ પણ અતિશે ભૂંડું છે. (૩) ઇતિ વચનામૃતમ્‌ ।।૨૫।। (૨૫૯)

રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૨) છે. તેમાં પહેલું કૃપાવાક્ય છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે ભક્તિ આદિક ગુણે કરીને અમારી પ્રસન્નતારૂપ ફળને ઇચ્છવું અને શ્રદ્ધાએ કરીને થોડી સેવા કરે તોપણ અમે રાજી થઈએ છીએ. (૧) અને ગમે તેવું સુખ-દુઃખ આવી પડે તોપણ નિયમ-ધર્મમાંથી મોળો પડે નહિ તે અમારો ખરો ભક્ત છે. (૨) બીજામાં રાજી-કુરાજી થવાના ગુણ-દોષ બતાવ્યા છે અને માન, ક્રોધ તથા કોઈથી દબાઈને રહેવું એટલે જેને જેમ કહેવું ઘટે તેમ તેને કહેવામાં તેનાથી દબાઈને તેની મોબતમાં લેવાવું તે તો અતિશે ભૂંડું છે તથા માંહોમાંહી બરોબરિયાપણું રહે તે પણ અતિશે ભૂંડું છે. (૩) બાબતો છે. ।।૨૫।।